વડોદરા, શનિવાર
Vadodara Lok sabha Seat : લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ હતા. ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેઓએ પોતાના X હેન્ડલ પર જણાવ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું. રંજબેને ઉમેદવારી પાછી ખેંચી તેની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે.
વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાય રહ્યાં હતાં એવાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જ્યો હતો.
ત્રણ દિવસ પહેલાં શહેરના હરણી રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યાં હતાં. જોકે, પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનાર કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફ હરી ઓડ, ધ્રુવિત વસાવા સહિત ત્રણની ચૂંટણી આચારસંહિતાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેઓની પૂછપરછ કરી હતી.
વારસિયા પોલીસ સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફ હેરી ઓડની પૂછપરછ કરી રહી હતી. તે જ સમયે શહેરના વડસર ખીસકોલી સર્કલ પાસે સી.એમ. અને શહેર પ્રમુખે વડોદરાનો વિકાસ કર્યો નથી, તેવાં બેનરો લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દિવસ દરમિયાન શહેરના રાજકારણમાં બેનર પ્રકરણ ચર્ચાનો વિષય રહ્યો હતો.