અમદાવાદ, મંગળવાર
UPSC Final Result : UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવાર પાસ થયા છે તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવાર UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.
યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023માં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો છે.જ્યારે અનિમેષ પ્રધાનને બીજું સ્થાન અને અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે, પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને છે જ્યારે રૂહાની પાંચમા સ્થાને છે.
તેમજ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 25 ઉમેદવાર પાસ થયા છે. આ પહેલાં 2014માં 22 ઉમેદવાર સફળ રહ્યા હતા, જેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે આ પરીક્ષામાં પાટીદારોનો પાવર જોવા મળ્યો છે અને 8 ઉમેદવારે UPSCમાં મેદાન માર્યું છે.
આ 25 ગુજરાતીમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે, જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનીષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે. એમાં પણ કંચન ગોહિલ તો ખેડૂતની દીકરી છે..
મૂળ ગીર સોમનાથ જિલ્લા અને હાલ અમદાવાદમાં રહેતી કંચન માનસિંહ ગોહિલે UPSCમાં 506મો રેન્ક મેળવ્યો છે. છેલ્લાં 4 વર્ષથી UPSCની તૈયારી કરતી કંચન ગોહિલે બીજા પ્રયત્ને જ UPSC પાસ કરી લીધી છે. તેણે વર્ષ 2022માં પ્રથમ વખત પ્રીલિમ પરીક્ષા આપી હતી, જોકે એમાં પાસ ન થઈ હોવાથી ફરીથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપીને સફળતા મેળવી છે, પરંતુ 506 રેન્ક આવ્યો હોવાથી રેન્ક સુધારવા માટે વધુ એકવાર પરીક્ષા આપશે.
કંચન ગોહિલે જણાવ્યું હતું કે અમે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની છીએ. મારા પિતા ખેડૂત છે અને હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જ્યારે પરિવારમાં માતા-પિતા અને બે નાનાં ભાઈ-બહેન છે. મારો નાનો ભાઈ એન્જિનિયરિંગ કરે છે અને બહેન પારુલ યુનિવર્સિટીમાંથી આયુર્વેદિકનો અભ્યાસ કરે છે. મારા પિતા માનસિંહ કોડીનારમાં જ ખેતીકામ કરે છે અને તેઓ ફક્ત 10 ધોરણ જ પાસ છે. જ્યારે માતા દૂધીબહેન ક્યારેય સ્કૂલે ગયાં જ નથી. મારી માતાને લખતા-વાંચતા પણ આવડતું નથી.
કંચન ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ કોડીનારમાંથી જ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ રાજકોટ ખાતે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વધુ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ધોરણ 12માં સાયન્સ લીધા બાદ એક ગ્રુપ લઈ અભ્યાસ શરૂ કર્યો તો ખ્યાલ આવ્યો કે મારો રસનો વિષય હ્યુમન સર્વિસ છે, તેથી ધોરણ 12માં સાયન્સ લીધા બાદ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગ્રેજ્યુએશન સમયે જ UPSC માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને વર્ષ 2022માં પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ એની પ્રીલિમ પરીક્ષામાં જ પાસ ન થતાં ફરીથી મહેનત શરૂ કરી દીધી અને આ વખતે પ્રીલિમ્સ અને મેઈન્સ પૂર્ણ કર્યા બાદ 506મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.