અમદાવાદ, બુધવાર
Kshatriya movement : પુરૂષોત્તમ રૂપાલાએ આજે ફરી એક વખત માફી માંગી છે. જોકે, રાજકોટથી શરૂ થયેલ ક્ષત્રિય આંદોલન આજે પણ યથાવત છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી. શિસ્તાથી અને બૌદ્ધિકતાથી આગળ વધવાની અમારી રણનીતી હશે. આજની માફી પણ મીડિયા સમક્ષ માંગી છે ત્યારે હવે આગળ શું કરવું? એ માટે સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય કરશે.
ક્ષત્રિય સમાજના આગેવાન ભાર્ગવીબા ગોહિલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ફરીવાર માફી માટેની માંગ કરી છે પરંતુ, અમારી પહેલા માંગ શું હતી? અને આ વાતને રાજકીય સ્વરૂપ આપવાની શું જરૂર હતી? એ સમજી નથી શક્યા. આ બધું રાજકીય સ્વરૂપે જે થઇ રહ્યું છે, સમાજે સમજવાની જરૂર છે. અત્યાર સુધી થયું તે થયું પણ હવે થશે તે પણ બધું શાંતિપૂર્ણ માહોલમાં થશે અને શિસ્તતાથી થશે. બૌદ્ધિકતાથી આગળ વધવું એ અમારી રણનીતિ હશે.
આ આંદોલનને અહીંયા અલ્પવિરામ જ આપીએ છીએ. પૂર્ણવિરામ સમજવું નહીં. અમારા વડીલો આના ઉપર મનોમંથન કરશે. ક્ષત્રિયોથી જ ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે. પોઝિટિવ એનર્જી આવી રહી છે. હિન્દુત્વ અને રામ રાજ્ય વિશે અમને કોઈ શીખવાડશો નહિ.
દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે વાત છે શાંતિપૂર્ણ મતદાન થવાની ત્યારે આ અમારી રણનીતિનો એક ભાગ હતી. આંદોલન પણ અમે શાંતિપૂર્ણ રીતે જ ચલાવ્યું છે. અમારામાં ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. છતાં કોઈપણ રીતે ઉશ્કેરાટ વિના મત એ જ શસ્ત્ર સમજીને અમે શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવ્યું છે.
પુરૂષોત્તમ રૂપાલાએ આજે માફી માંગી તે વિશે પણ હું જણાવવા માંગુ છું કે, તેઓએ ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ ઉપરથી માફી ક્યારેય માંગી નથી. આજે પણ તેમણે મીડિયા દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રેસ કરી માફી માંગી છે. તેમણે જ કહ્યું છે કે, આજ સુધી જે માફી માંગી તે રાજકીય હશે એવું બધા માનતા હોય ત્યારે હવે અમે પણ એવું જ માનીએ છીએ. આજે પણ તેઓએ જે માફી માંગી તેમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ અને પોતાના પક્ષ માટે તેમણે માફી માંગી છે.
ક્ષત્રિય સમાજ તેમને માફી ક્યારે આપશે તે હવે પછીની બેઠકમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિનાં બધા સભ્યો બેઠક કરશે. તેમાં આગળની રણનીતિ નક્કી થશે અને એ પછી જાહેર કરીશું. આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ તેમની બધી વસ્તુઓને સ્વીકારે છે પણ બહેનોની અસ્મિતા વિશે નબળું બોલ્યા છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. અમે દરેક વાત ભૂલવા તૈયાર છીએ.
મારા સુધી લોકો દ્વારા ધમકીનાં ફોન કરવામાં આવ્યા છે. તેને પણ અમે સ્વીકારી લેવા તૈયાર છીએ પણ બહેનોની અસ્મિતા મામલે કોઈપણ કોમ્પ્રોમાઈઝ કરવા સમાજ તૈયાર નથી.હા જો સાચા પ્લેટફોર્મ ઉપરથી અને સાચી વાત કરવા તેઓ તૈયાર હોત તો અત્યાર સુધીમાં તેઓ બતાવી શક્યા હોત. આજે પણ અમારા એકપણ બહેનોની માફી તેમણે માંગી નથી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. તેઓ કોઈ ચોક્કસ વોટિંગ વર્ગને ખુશ કરવા માટે માફી માંગતા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે કહ્યું છે કે, આગળના પદ પર જવા માટે તેઓ આ માફી માંગતા હોય તેવું લાગી રહ્યું છે.