વડોદરા, મંગળવાર
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપમાં ભડકો થયો છે. વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલ્યો છે. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં.
વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ છે.વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે સોમવારે મોડીરાત્રે ઇમેલથી શંકર સિંહ ચૌધરીને રાજીનામું આપ્યું છે. કેતન ઇમાનદારે ત્રણ લાઈનના રાજીનામાં પત્રમાં લખ્યું છે – વંદે માતરમ સહ જણાવું છે કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર, 125- સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છે. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છે, જે સ્વીકારવા વિનંતી છે.
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, મારું રાજીનામું પ્રેશર ટેકનિક નથી. પાર્ટીને અમારે ફોલો કરવી પડે. અમે પાર્ટીના કાર્યકર્તા છીએ. તેમ છતાં જૂના કાર્યકરોને ધ્યાનમાં રાખવામાં કંઇક કંઇક જગ્યાએ કચાશ રાખવામાં આવી છે. મને પોતાને આવુ લાગ્યું છે. ઘણી વખત આવી રીતે બધે જ રજૂઆતો કરી છે. મને પોતાને એવુ લાગ્યું કે, સત્તા માટે લોકો રાજકારણમાં આવતા હોય, એવો લોકોના મગજમાં ભ્રમ છે. દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો. વર્ષ-2012ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો ત્યારથી લઇને આજ દિવસ સુધી હું સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું.
રાત-દિવસ મહેનત કરીશ પણ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે. અંતર આત્માનો અવાજ મારો એ છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો,ત્યારથી લોકોને માન-સન્માન આપ્યું છે. આખી જિંદગી જીવીશું ત્યાં સુધી તેમના પ્રશ્નોને વાંચા આપીશું, પરંતુ પોતાના માન-સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી.
જો કે હજુ સુધી કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી. આજે સાંજ સુધીમાં તેઓ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. બીજી તરફ જે રીતે જ્યોતિ પંડ્યાએ પોતાના બાગી સૂર બતાવ્યા છે અને હવે કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે, જે એ જ બતાવી રહ્યુ છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે.જેના કારણે જ ભાજપના નેતાઓ એક પછી એક એક્શન લેતા જોવા મળી રહ્યા છે.