મુંબઈ, બુધવાર
Salman Khan House Firing Case : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થાપનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 15 એપ્રિલે પંજાબમાંથી અનુજ થાપન (32) અને સુભાષ ચંદર (37)ની અટકાયત કરી હતી.આ આરોપીઓએ સલમાનના ઘર પર ફાયરિંગ માટે આરોપીઓને હથિયારો આપ્યા હતા. હથિયાર સપ્લાય કરનારા બંને આરોપીઓ પંજાબના અબોહરના રહેવાસી છે. આત્મહત્યા કરનાર અનુજ થાપન ગામમાં એક ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.બીજો આરોપી સુભાષ ખેડૂત હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પંજાબ અને હરિયાણામાં ઘણા કેસ નોંધાયેલા છે. બંને ઘણા વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ સાથે કામ કરી રહ્યા હતા.
અનુજ થાપન અને સુભાશે 15 માર્ચે પનવેલમાં સાગર પાલ અને વિકી ગુપ્તા નામના છોકરાઓને બે પિસ્તોલ પહોંચાડી હતી. આ પિસ્તોલની મદદથી વિકી અને સાગરે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. વિકી અને સાગરની ગુજરાતના ભુજમાંથી જ્યારે અનુજ અને સુભાષની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે શરૂઆતથી જ લૉરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.
સલમાન ખાન હંમેશા લોરેન્સ બિશ્વોઈ ગેંગના નિશાના પર રહ્યો છે. માર્ચ 2023માં લોરેન્સ તરફથી ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે.