નવસારી, રવિવાર
Navsari News : દાંડીના દરિયા કિનારે ગોઝારી ઘટના બની છે. અહીં દરિયા કિનારે 6 લોકો ડૂબી ગયા હતા. જ્યારે દરિયા કિનારે હાજર હોમગાર્ડ અને પોલીસ જવાનો દ્વારા બે લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે હજુ પણ ચાર લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. તે સમયે જ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ત્રણ પરિવારના લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્રણ પરિવારના છ લોકો ડૂબી જતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. બચાવ, બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા છ લોકોમાંથી બે લોકોને બચાવી લીધા હતા.
નવસારીના દાંડી દરિયા કિનારે રજાની મજા માણવા પહોંચેલા ત્રણ પરિવારો દરિયાની ભરતીમાં ફસાયા હતા. ત્યારબાદ બુમાબુમ થતા કિનારેથી હોમગાર્ડે દરિયામાં દોડી બે પરિવારોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જ્યારે રાજસ્થાનથી નવસારી ફરવા આવેલ મારવાડી પરિવારના 6 સભ્યો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી બેને બચાવી લેવાયા, જ્યારે ચાર લોકો દરિયામાં ગરકાવ થયા હતા.
જોકે, ડૂબી ગયેલા ચાર લોકો હજુ લાપતા છે. જેમની શોળખોળ હાથ ધરવામાં આવી રહી છે. ડૂબી ગયેલા લોકોમાં એક પુરુષ, બે બાળક અને એક મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, દરિયામાં ડૂબેલા લોકો મારવાડી પરિવારના છે. જ્યારે તેઓ રાજસ્થાનથી દાંડી ફરવા આવ્યા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે મળી રહી છે. ઘટનાને પગલે પરિવાજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. જ્યારે હાલ તંત્ર દ્વારા ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ રહી છે.