નવી દિલ્હી, મંગળવાર
IPL 2024 Playoff : રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઈપીએલ 2024 પ્લેઓફના સમીકરણને વધુ જટિલ બનાવી દીધું છે. સંજુ સેમસનની કેપ્ટન્સી હેઠળ રમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમે સોમવારે મુંબઇને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ તેણે આઇપીએલના પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સે પ્લેઓફની આશાને મોટો ફટકો આપ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે
રાજસ્થાન રોયલ્સના પોઇન્ટ ટેબલમાં હવે 14 પોઇન્ટ થઇ ગયા છે. તેણે 8માંથી 7 મેચ જીતી છે. પોઇન્ટ ટેબલમાં તેની નજીકનું કોઈ નથી. રાજસ્થાન રોયલ્સે હવે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પોતાની બાકીની 6 મેચમાંથી એક-બે મેચ જીતવી પડશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફની રેસમાં મજબૂતીથી આગળ વધી રહ્યા છે. આ બંને ટીમો પોતાની 7-7 મેચમાં 5-5થી જીત મેળવી ચૂકી છે અને પોઈન્ટ ટેબલમાં 10-10 પોઈન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા નંબર પર છે.
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત 8-8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમે છે. આ ત્રણેય ટીમોના પોઈન્ટ સરખા હોવા છતાં ગુજરાતની સ્થિતિ અન્ય બે ટીમો કરતાં વધુ કફોડી છે. આનું કારણ એ છે કે ચેન્નાઈ અને લખનઉએ 7-7 મેચ રમીને 8 પોઈન્ટ મેળવ્યા છે. સાથે જ ગુજરાતને આ માટે એક મેચ વધુ રમવી પડી હતી.
18 પોઇન્ટ પ્લેઓફની ગેરંટી
પ્લેઓફની રેસ હવે 6 ટીમો વચ્ચે જોવા મળી રહી છે. રાજસ્થાન, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, લખનઉ અને ગુજરાત ટાઇટન્સ. આ તમામ ટીમો પાસે વધુમાં વધુ 20 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આઇપીએલના ભૂતકાળના ઈતિહાસને જોતાં એવું મનાય છે કે, પ્લે ઓફ રમવા માટે 18 પોઈન્ટ્સ નિશ્ચિત મનાય છે. 16 પોઈન્ટ ધરાવતી ટીમ પ્લે ઓફમાં રમશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવે છે, પણ આ માટે કેટલીક વખત અન્ય ટીમોનું હાર-જીતનું સમીકરણ મહત્વનું બની જાય છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમને તેની પ્રથમ 8 મેચમાંથી 5માં હારનો સામનો કરવો પડયો છે. આ બંને ટીમોના હવે પોઈન્ટ ટેબલમાં 6-6 પોઈન્ટ થઈ ગયા છે. મુંબઈ ઈન્ડિયન્સ રનરેટમાં દિલ્હી કેપિટલ્સ કરતાં સારી સ્થિતિમાં છે અને તે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.
આ બંને ટીમોની પ્લેઓફની રેસ હજુ પૂરી થઈ નથી. પરંતુ જો આ બંનેમાંથી કોઇ પણ ટીમને ટોપ-4માં જગ્યા બનાવવી હશે તો તેણે પોતાની મોટા ભાગની મેચો જીતવી પડશે એટલું જ નહીં ટોપ-6માં સામેલ ટીમોની હાર માટે પ્રાર્થના પણ કરવી પડશે. હવે માત્ર ચમત્કાર જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં લાવી શકે છે.