અમદાવાદ, સોમવાર
Election Commission : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે.ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવ્યા છે. એટલું જ નહીં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવી દીધા છે. ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો છે.ત્યારે હવે ગુજરાતને નવા ગૃહ સચિવ મળી ગયા છે.ચૂંટણી પંચના આદેશ બાદ IAS એ કે રાકેશ ગુજરાતના નવા ગૃહ સચિવ બન્યાં છે.જયારે વિવેક સહાય પશ્ચિમ બંગાળના નવા DGP બન્યા છે.
લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પંચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવી દીધા છે. આ સાથે વિવેક સહાયને પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. ત્યારે કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને ગુજરાતના અધિક ગૃહ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે સોમવારે ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. આ તમામ લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચાર્જ સંભાળતા હતા.મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સામે નારાજગી વ્યક્ત કરતા પંચે BMC અને વધારાના/ડેપ્યુટી કમિશનરોને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા અને અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા હતા. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સોમવારે બપોરે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.