રાજકોટ, શનિવાર
Gujarat loksabha elections 2024 : ક્ષત્રિય આંદોલન વચ્ચે પરશોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વાર વિનંતી કરવામાં આવી છે. જસદણમાં રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. જસદણમાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. તેમણે અપીલ કરતા જણાવ્યું કે મેં ભૂલ કરી છે એની હું માફી માંગુ છું, પણ મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ રાખવો યોગ્ય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે. મારી ભૂલનો રોષ તેમની સામે રાખશો નહીં.
રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી અપીલ
જસદણના સત્યકુમાર જીત અને વાંકાનેરના કેસરીદેવસિંહ રાજવીની ઉપસ્થિતમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. તેમણે જનસંબોધન કરતા જણાવ્યુ હતું કે, રામ લલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે. ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોને સભાના માધ્યમથી વિનંતી કરું છું કે ભૂલ મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માગી હતી, મારૂ કોઈનો અપમાન કરવાનો ઈરાદો ન હતો. મેં સમાજની સામે જઈને પણ માફી માગી છે એનો સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે. પરંતુ મારા નિવેદનના કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઊભો કરી દેવો યોગ્ય નથી.
મોદી સાહેબ સામે રોષ કાઢશો નહીં : રૂપાલા
ભાજપ સાંસદ પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને પાર્ટીની વિકાસ યાત્રામાં પણ અનેક ક્ષત્રિયો જોડાયેલા છે. મોદી સાહેબ જેવું વ્યક્તિત્વ માત્ર આપણા દેશ ભારત માટે વિચારે છે તેઓ દેશ માટે 18-18 કલાક કામ કરે છે. ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે સમાજ જીવનના તાણાવાણાને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી. ચૂંટણી કે હાર જીત માટેના વિષયને લઈને હું આ વાત નથી કરી રહ્યો પરંતુ મારા આપેલા આ નિવેદનના કારણે મોદી સાહેબ સામે રોષ દાખવવો ના જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના કેન્દ્રીય મંત્રી અને લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને અને રૂપાલાને મતમાં ફટકો પડી શકે એમ છે.