અમદાવાદ, મંગળવાર
Gujarat Loksabha Election : ગુજરાત સહિત દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ વોટિંગ અને ગેરરીતિની 17 ફરિયાદો ચૂંટણી પંચમાં કરી છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ છે. જી હા…ચૂંટણી પંચ આ વખતે કોઈ બાધછોડ કરવા માંગતું નથી. કોઈ પોલિગ બૂથ પર ગેરરીતિ થતી હોય તો ફરિયાદો માટે 20 વકીલોની ટીમનો કંટ્રોલરૂમ ધમધમી રહ્યો છે.
આજે મતદાનના દિવસે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જ્યારે વાસણ ગામના બુથમાં મતદાન કરવા ગયા ત્યારે ભાજપની નિશાનીવાળી પેન લઇને બેઠેલા ઉમેદવારના એજન્ટને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જે વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે ભાજપ ઉમેદવારના એજન્ટ પાસેથી પેન લીધા બાદ બુથમાં પ્રિ-સાઈડિંગ ઓફિસરને નિયમ મુજબ અમલ કેમ નથી કરવામાં આવતો તેવા સવાલ પણ કર્યો હતો.
ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ છે. આ અંગે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે.