કચ્છ, શુક્રવાર
રાજસ્થાનના બિકાનેરમાં અકસ્માત સર્જાતા પાંચ ગુજરાતીના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ડૉક્ટર દંપતી અને પુત્રી સહિત 5 ના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. અને શોકનું મોજું ફરી વળ્યું છે. તમામના ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ હતી. નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર શુક્રવારે સવારે 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. પાંચેય મૃતકો ગુજરાતના રહેવાસી હતા. આ તમામ લોકો લગ્નમાંથી પરત ફરી રહયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના આ બંને પરિવારો શ્રીગંગાનગરથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.કચ્છ માંડવીના તબીબ દંપતી સહિત પાંચ વ્યક્તિઓનું અકસ્માતમાં કરુણ મોત થયું છે. બનાવના પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી છે. આજે સવારે પાંચ વાગ્યે રાજસ્થાનના ગંગાનગરથી ગુજરાત તરફ જતી સ્કોર્પિયો કાર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ડૉ. પ્રતીક ચાવડા, તેમનાં પત્ની ડો હેતલ પ્રતીક ચાવડા, તેમની 2 વર્ષીય પુત્રી નાઈસા, કરણ ક્રિષ્ના કાસ્તા, તેમનાં પત્ની પૂજાબેન કરણ કાસ્તાનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવની ગંભીરતાને લઈ બિકાનેર એસપી તેજસ્વિની ગૌતમ અને નાયબ એસપી પ્યારેલાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હતભાગીના મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે નોખા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.