અમદાવાદ, સોમવાર
wedding invitation : આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તમારા ઘરે લગ્નની ઘણી કંકોત્રી આવી હશે. લગ્નની કંકોત્રીમાં દુલ્હાના નામની આગળ ‘ચિ.’ અને થનાર દુલ્હનના નામની આગળ ‘સૌ.કા’ લખેલું હોય છે. ઘણા લોકો આ શબ્દનો અર્થ ‘સૌભાગ્યવતી’ માને છે. પરંતુ તેનો અર્થ એ નથી. ચાલો તમને જણાવીએ તેનો અર્થ અને તેની પાછળની કહાની.
હિન્દુ ધર્મમાં માનવના જન્મથી લઇને મૃત્યુ સુધી કુલ 16 સંસ્કાર હોય છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્કાર હોય છે વિવાહ સંસ્કાર, જે વિવાહના બંધનમાં બંધાનાર યુવક અને યુવતી બંનેના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાંખે છે. એક નવી વ્યક્તિના જીવનમાં આવવાથી ઘણા બદલાવ બંનેએ જોવા પડે છે. આ જ કારણ છે કે વિવાહ સંસ્કારને માનવ જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે લગ્નમાં દરેક વિધિ, દરેક રિવાજનો ખૂબ જ ઉંડો અર્થ હોય છે. તેવી જ રીતે લગ્નની કંકોત્રીમાં ‘ચિ’ અને ‘સૌ.કા’ લખવાનો પણ ઉંડો અર્થ છે.
લગ્નના કાર્ડ પર કેમ લખેલું હોય છે ‘ચિ’ અને ‘સૌ.કા’: આજકાલ ભલે લોકો અંગ્રેજીમાં છપાતી કંકોત્રીમાં આ શબ્દોને હટાવી દે છે કે પછી તેને ભૂલી ચુક્યા છે, પરંતુ રીતિ-રિવાજથી થતાં દરેક લગ્નમાં છોકરાના નામની આગળ ‘ચિ’ અને છોકરીના નામે ‘સૌ.કા’ લખેલું હોય છે. છોકરાના નામની આગળ લખેલા ‘ચિ’નો અર્થ થાય છે ‘ચિરંજીવી’. એટલે કે ચિર કાળ સુધી જીવંત રહેનાર, જેનું મૃત્યુ ક્યારેય ન થાય…ખરેખર આ શબ્દ એક રીતે છોકરા માટે આશીર્વાદ અને કામના રૂપે વર્ષોથી લખવામાં આવે છે.
તેવામાં છોકરીના નામની આગળ લખેલા ‘સૌ.કા’નો અર્થ થાય છે ‘સૌભાગ્યકાંક્ષિણી’ એટલે કે સૌભાગ્ય પ્રાપ્તિની આકાંક્ષામાં જે સ્ત્રી હોય તે. મોટાભાગે લોકો કંકોત્રીમાં ‘સૌ.કા’નો અર્થ ‘સૌભાગ્યવતી’ સમજીને લખાવે છે. પરંતુ સૌભાગ્યકાંક્ષિણી અને સૌભાગ્યવતી શબ્દોમાં ઘણું અંતર છે.
સનાતન ધર્મમાં ‘સૌભાગ્યવતી’ શબ્દનો ઉપયોગ પરિણીત સ્ત્રી માટે કરવામાં આવે છે. તેવામાં જ્યારે કંકોત્રી છપાય છે ત્યારે છોકરીના લગ્ન થયા નથી હોતાં. એટલે કે સૌભાગ્યવતિ નહીં પરંતુ સૌભાગ્યકાંક્ષિણી એટલે કે સૌભાગ્યવતી બનવાની આકાંક્ષા રાખતી કન્યા. આ જ કારણ છે કે કંકોત્રી પર હંમેશા દુલ્હનના નામની આગળ ‘સૌ.કા’ લખવામાં આવે છે. જેનો અર્થ થાય છે ‘સૌભાગ્યકાંક્ષિણી’.
ચિરંજીવી તથા સૌભાગ્યકાંક્ષિણી લખવા પાછળની કથા: તેની પાછળ એક પ્રાચીન કથા છે. એક સમયમાં એક બ્રાહ્મણ નિસંતાન હતો અને તેણે સંતાન પ્રાપ્તિ માટે મહામાયાની આરાધના કરી. દેવી પ્રસન્ન થઇ અને તેને સંતાન પ્રાપ્તિનું વરદાન આપતાં પહેલા 2 વિકલ્પ આપ્યાં. એક દીકરો થશે જે મહામૂર્ખ હશે પરંતુ દીર્ઘાયુ હશે. એક પુત્ર હશે તે માત્ર 15 વર્ષ જીવશે પરંતુ વિદ્વાન હશે. તેણે એકને પસંદ કરવાનો હતો અને બ્રાહ્મણે વિદ્વાન પુત્ર પસંદ કર્યો.
બ્રાહ્મણના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ માતા-પિતા બંને જ દીકરાની અલ્પઆયુ માટે ચિંતિત રહેતા હતાં. પિતાએ પુત્રને અભ્યાસ માટે કાશી મોકલ્યો. અહીં એક શેઠની દીકરી સાથે તેના પુત્રના લગ્ન થયાં. જે છોકરી સાથે તેના લગ્ન થયા તે પણ મહામાયાની ભક્ત હતી. વિવાહના દિવસે જ તે છોકરાનો અંતિમ દિવસ હતો અને યમરાજ એક નાગના ભેષમાં તેનું જીવન હરવા માટે આવ્યાં. સાપે છોકરાને ડંખ માર્યો અને તેની પત્નીએ તરત જ નાગને એક વાટકીમાં બંધ કરી દીધો. આ નાગ સ્વયં યમરાજ હતાં તો યમલોકનું બધુ કામ ઠપ્પ થઇ ગયું.
પોતાના પતિને જીવંત કરવા માટે આ છોકરી મહામાયાની ઉપાસના કરવા બેસી ગઇ. તેની ઘોર ઉપાસના જોઇને દેવી પ્રગટ થયાં અને તેમણે આ છોકરી ને યમરાજને મુક્ત કરવા કહ્યું. આ છોકરીએ યમરાજને મુક્ત કર્યા. યમરાજે દેવીની આજ્ઞાથી તે છોકરાને પુનર્જીવિત કર્યો અને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. યમરાજે જ આ છોકરીને ‘સૌભાગ્યવતી’ કહ્યું. ત્યારથી જ વિવાહના સમયે દુલ્હાને ‘ચિરંજીવી’ થવાનું અને દુલ્હનને ‘સૌભાગ્યકાંક્ષિણી’ (એટલે કે સૌભાગ્યવતિ થવાની કામના રાખતી કન્યા) થવાના આશીર્વાદના રૂપમાં આ બંને શબ્દ દુલ્હા અને દુલ્હનના નામની આગળ લખવામાં આવે છે.