અયોધ્યા, બુધવાર
Surya Tilak : આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તરફ હાલ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિને સુર્ય તિલક કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્યતિલક છે. બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામલલ્લાને 3 મિનિટ માટે સૂર્યતિલક લગાવવામાં આવ્યું હતું.
આ માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે, જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યાં હતાં. મંદિરના કપાટ આજે સવારે 3.30 વાગ્યે ખૂલ્યા હતા, સામાન્ય દિવસોમાં એ સવારે 6.30 વાગ્યે ખૂલે છે. ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી, એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે.
રામલલ્લા સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે. જગદગુરુ રાઘવાચાર્યે ભગવાન રામલલ્લાનો 51 કળશથી અભિષેક કર્યો હતો. અત્યાર સુધીમાં 6 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચ્યા છે. રામજન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો લાગી છે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ઘણી ભીડ છે.