નવી દિલ્હી, શુક્રવાર
Stock Market Closing : સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે રાહતનું હતું. આઈટી શેરોમાં મજબૂત વેચવાલી છતાં ભારતીય શેર બજાર સકારાત્મક નોંધ પર બંધ થયું. જેમાં બેન્કિંગ, ઓટો અને ફાર્મા સ્ટોક્સે મહત્વનો ફાળો આપ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 190 પોઈન્ટના ઉછાળા સાથે 72,832 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 84 પોઈ ન્ટના ઉછાળા સાથે 22,097 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના કારોબારમાં બજારના ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 382.13 લાખ કરોડ હતું જે છેલ્લા સત્રમાં રૂ. 380 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 2.13 લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈના ડેટા અનુસાર, આજે કુલ 3906 શેરોમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 2431 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 1375 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 100 શેરની કિંમતમાં કોઈ ફેરફાર નથી.
ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરો મજબૂત ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ આઈટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 838 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા.
વધતો અને ઘટતો સ્ટોક
આજના કારોબારમાં મારુતિ સુઝુકી 3.55 ટકા, સન ફાર્મા 2.77 ટકાના વધારા સાથે, ટાઇટન 2.21 ટકાના વધારા સાથે, ITC 171 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઈન્ફોસિસ 2.98 ટકા, વિપ્રો 2.73 ટકા, એચસીએલ ટેક 2.46 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.