નવી દિલ્હી, શુક્રવાર
BJP Fourth List Announced : શુક્રવારે ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, જેમાં તમિલ નાડુ અને પુડુચેરીના ઉમેદવારોના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. આ વખતે ભાજપે પુડુચેરી લોકસભા બેઠક પરથી એ. નમસ્સિવાયમ તેના ઉમેદવાર તરીકે છે.
જો કે હાલમાં કોંગ્રેસના નેતા વી. વૈથિલિંગમ સાંસદ છે. કોંગ્રેસે તેમને ફરી એકવાર તક આપી છે. આ ચોથી યાદીમાં તમિલનાડુના 15 ઉમેદવારોના નામ છે. અગાઉ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ત્રીજી યાદીમાં તમિલનાડુના 9 ઉમેદવારોના નામ સામેલ હતા. ત્રીજી યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, ચેન્નઈ નોર્થથી આર સી પોલ કનાગરાજ, તિરુવલ્લુરથી પોન વી બાલાગનાપતિ, તિરુવન્નામલાઈથી એ અશ્વત્મન, નમક્કલથી કે પી રામલિંગમ, ત્રિપુરાના એ પી મુરુગાનંદમ, પોલાચીથી કે વસંતરાજન, કરૂરથી વી વી સેન્થિલનાથન, ચિદમ્બરમથી પી કાર્તિ યાની, નાગાપટ્ટિનમથી એસજી રમેશ, તંજાવુરથી એમ મુરુગાનંદમ. અન્ય ઉમેદવારોમાં શિવગંગાથી દેવનાથન યાદવ, મદુરાઈથી રામ શ્રીનિવાસન, વિરુધુનગરથી રાધિકા સરથકુમાર અને તેનકાસીથી બી જ્હોન પાંડિયનનો સમાવેશ થાય છે.
બીજેપીએ પુડુચેરીની એકમાત્ર લોકસભા સીટ પરથી એ. નમસ્સિવાયમને ટિકિટ આપી છે. આ પહેલા ગુરુવારે ભાજપે પૂર્વ રાજ્યપાલ તિમિલસાઈ સુંદર રાજન, પાર્ટીના તમિલનાડુ એકમના અધ્યક્ષ કે. અન્નામલાઈ અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગન સહિત રાજ્યમાંથી નવ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આમ, ભાજપે અત્યાર સુધીમાં તમિલનાડુ માટે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
રાજ્યમાં લોકસભાની 39 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાંથી એક પણ સીટ જીતી શકી નથી. અગાઉ, ભાજપે 2 માર્ચે 195 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, પરંતુ તેમાંથી બે – ભોજપુરી ગાયક અને અભિનેતા પવન સિંહ અને ઉત્તર પ્રદેશના ઉપેન્દ્ર રાવત – વિવાદ ઉભો થયા પછી તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી ભાજપે 13 માર્ચે 72 ઉમેદવારોની બીજી અને 21 માર્ચે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
આમ, પાર્ટીએ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 290 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.