અમદાવાદ, સોમવાર
Gujarat University Hostel Attack Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવાના વિવાદમાં અમદાવાદ પોલીસે તોડફોડના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ દ્વારા તપાસના આધારે અન્ય યુવકોની પણ શોધ કરવામાં આવી રહી છે.જેમણે ગેરકાયદે પ્રવેશ બાદ હોસ્ટેલમાં વાતાવરણ બગાડ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે નમાઝ દરમિયાન સર્જાયેલા વિવાદ બાદ વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.એટલું જ નહીં યુનિવર્સિટીમાં ભણતા 300 વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે.યુનિવર્સિટી પ્રશાસને આ દિશામાં કામ શરૂ કરી દીધું છે.
તો બીજી તરફ પોલીસે કેમ્પસમાં ઘૂસેલા બહારના તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 20 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. યુવકોના ટોળાએ હોસ્ટેલમાં નમાઝ અદા કરી રહેલા યુવકોને આમ કરતા અટકાવ્યા હતા. આ પછી જ વિવાદ શરૂ થયો હતો. પોલીસ સામે આવેલા તમામ વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો રેકોર્ડ કરીને આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. આ કેસમાં આરોપીઓને પકડવા માટે અમદાવાદ પોલીસે નવ ટીમો બનાવી છે.
વિદ્યાર્થીઓની હાલત હાલ સારી છે
પોલીસે જણાવ્યું કે 16 માર્ચની રાત્રે એ-બ્લોક હોસ્ટેલમાં બનેલી ઘટના બાદ શ્રીલંકા અને તાજિકિસ્તાનના બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓ હવે ઠીક છે.ડીસીપી (ઝોન 7) તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે 20-25 અજાણ્યા આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમો હેઠળ રમખાણો, ગેરકાયદેસર રીતે ભેગા થવું, નુકસાન પહોંચાડવું, સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ફોજદારી પેશકદમી સહિતના વિવિધ આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્ષિતિષ પાંડે, જિતેન્દ્ર પટેલ, સાહિલ દૂધતીઉઆ નામના યુવકની અટકાયત કરી છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે બે યુવકની અયકાયત કરી હતી. અત્યારસુધી કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.
મસ્જિદમાં નમાઝ પઢવાનું કહ્યું હતું
પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે લગભગ 20-25 લોકો હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ્યા હતા અને ત્યાં નમાજ અદા કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને મસ્જિદમાં નમાઝ અદા કરવા કહ્યું હતું. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમના રૂમમાં પણ તોડફોડ કરી હતી.
મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસમાં સામેલ તમામ લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. મલિકે કહ્યું કે આ ઘટનાના ઘણા કથિત વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો પથ્થરમારો કરી રહ્યા છે અને એક વીડિયોમાં એક વ્યક્તિ યુનિવર્સિટીના કર્મચારીને થપ્પડ મારતો જોવા મળે છે. તેમણે કહ્યું કે પોલીસ આ વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની એ-બ્લોક હોસ્ટેલમાં લગભગ 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે, જ્યાં આ ઘટના બની હતી.