અમદાવાદ, શનિવાર
GSEB SSC (10th) Result 2024 : ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56 ટકા રિઝલ્ટ આવ્યું, 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે, આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે.રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં આનંદની લાગણી અનુભવું છું. આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 84 ઝોનના 981 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 3184 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 31829 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
આ વર્ષે પણ પરીક્ષાર્થીઓના પરીક્ષાના પ્રવેશપત્ર (HALL TICKET) ઓનલાઈન મૂકવામાં આવેલ હતા. જેથી પરીક્ષાર્થીઓને પોતાની શાળામાંથી તે સરળતાથી મળી ગયેલ. ચાલુ વર્ષે પ્રશ્નપત્રોના પાર્સલ ઝોન કચેરીએથી પરીક્ષાખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે ‘Paper Box Authentication and Tracking Application’નો ઉપયોગ કરવામાં આવેલ. આ વર્ષે પરીક્ષા સમયસર અને ખૂબ જ સારા વાતાવરણમાં લેવામાં આવી.
આ પરીક્ષામાં કુલ 706370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 699598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 577556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165984 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 160451 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 78715 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા આવ્યું છે. આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17378 પરીક્ષાર્થીઓ પૈકી 16261 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 4981 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 30.63 ટકા આવેલ છે.
બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવી હતી. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે, 2023 કરતા આ વર્ષે 17.94 ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી. જ્યારે આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 પહોંચી છે.